રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યના આશરે 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે 18 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ધંધુકામાં 3.74 ઈંચ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત ઉમરપાડામાં 2.76 ઈંચ, ખેડામાં 1.73 ઈંચ તેમજ માતર અને લખતરમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.