યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 22 એપ્રિલ (બુધવાર) અને 23 એપ્રિલ (ગુરુવાર), 2026 ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણ ગરમીના કારણે મધમાખીઓ ઉડવાના બનાવો બન્યા છે. આથી, દર્શનાર્થીઓના જીવને કોઈ જોખમ ન રહે તે હેતુથી આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.





























































































































































































































































