ગાંધીનગર જિલ્લાના માણસા APMCમાં કમોસમી વરસાદે ભારે તારાજી મચાવી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદના કારણે ઘઉં, એરંડા અને જીરાં સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી જણસીઓ વરસાદના પાણીમાં તણાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે ખેડૂતોના ખેતરોમાં પણ નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે APMCમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુદરતના આ કહેરથી ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેઓમાં નિરાશાનો માહોલ છવાયો છે.








































































































