રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને માંદગીના સમયે આર્થિક પાયમાલીથી બચાવવા માટે સરકારે બજેટમાં મજબૂત જોગવાઈઓ કરી છે. આરોગ્ય સુવિધાઓ માત્ર શહેરો પૂરતી જ નહીં, પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ આ બજેટમાં દેખાઈ રહ્યો છે.
1. PM-JAY ‘મા’ યોજનામાં મોટો વધારો
બજેટની સૌથી મહત્વની જાહેરાત મુજબ, PM-JAY – મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) અંતર્ગત હવે રાજ્યના આશરે 2.72 કરોડ નાગરિકોને વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. આ યોજના માટે સરકારે ₹3,472 કરોડ ફાળવ્યા છે, જે આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે એક મોટું ડગલું છે.
2. હોસ્પિટલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ
- સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓ: અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો તેમજ કેન્સર, કાર્ડિયાક-ન્યુરો અને યુરો-નેફ્રો માટે ₹500 કરોડની જોગવાઈ.
- GMERS હોસ્પિટલો: રાજ્યની મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોના સુચારુ સંચાલન માટે ₹1,851 કરોડ.
- રાજકોટ સિવિલ: પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નવા 1000 બેડની અત્યાધુનિક હોસ્પિટલ માટે ₹90 કરોડ.
- નવા સાધનો: તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં લેટેસ્ટ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ માટે ₹200 કરોડ.
3. વિશિષ્ટ સારવાર કેન્દ્રો (Specialized Institutes)
અમદાવાદની મુખ્ય હોસ્પિટલોના ભારણને ઘટાડવા અને અન્ય શહેરોમાં શ્રેષ્ઠ સારવાર આપવા સેટેલાઈટ સેન્ટર્સ પર ભાર મુકાયો છે:
- કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC): અમદાવાદ સહિત સુરત, સોલા, ગાંધીનગર અને ભાવનગરના કેન્દ્રો માટે ₹186 કરોડ.
- હૃદયરોગ (U.N. Mehta): અમદાવાદ તેમજ સુરત, રાજકોટ, પોરબંદર અને ભાવનગર સેન્ટર્સ માટે ₹167 કરોડ.
- કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (GCRI): રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ અને ગોધરા જેવા વિસ્તારોમાં કેન્સર સારવાર માટે ₹153 કરોડ.
4. માતૃ-બાળ કલ્યાણ અને પોષણ
- ખિલખિલાટ વાન: રાજ્યમાં માતૃ-બાળ સુરક્ષાને વધુ સઘન બનાવવા નવી 250 ખિલખિલાટ વાન માટે ₹16 કરોડ.
- બાળ આરોગ્ય: ‘સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ 18 વર્ષ સુધીના તમામ બાળકોને આરોગ્ય કાર્ડ અપાશે.
- ટી.બી.ના દર્દીઓ: ક્ષય રોગના દર્દીઓને પૌષ્ટિક આહાર (Ready to Eat Snacks) પૂરો પાડવા ₹30 કરોડ.
5. અન્ય મહત્વની જોગવાઈઓ
- શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ: બિનચેપી રોગોના નિયંત્રણ માટે ₹502 કરોડ.
- ICU સુવિધા: છ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ‘ક્લોઝ સિસ્ટમ આઈ.સી.યુ.’ સ્થાપવા ₹60 કરોડ.
- કર્મચારી આવાસ: સુરત સિવિલમાં સ્ટાફ ક્વાર્ટર્સ અને વડોદરા મેડિકલ કોલેજમાં હોસ્ટેલ નિર્માણ માટે અંદાજે ₹94 કરોડ.
- ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર: જિલ્લા હોસ્પિટલોમાં બાળકોની વહેલી તપાસ અને સારવાર માટે ₹36 કરોડ.














































































