બિહારના લખીસરાય બાદ હવે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ નાગચંદ્રેશ્વર મંદિરમાં અચાનક નાસભાગ મચી જતાં ભારે અફરાતફરી સર્જાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મંદિરમાં અચાનક વીજળીનો વાયર તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને જીવ બચાવવા દોડધામ મચતાં અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે દર્શન માટે ખુલતું હોવાથી અહીં દર્શનાર્થે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે, લખીસરાયના અશોકધામ મંદિરમાં પણ વીજ વાયર તૂટવાના કારણે જ મચેલી નાસભાગમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. ઉજ્જૈનમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાહત ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.