ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. આજ વહેલી સવારથી જ અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ૧૦ જેટલા જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના બાકીના ૨૩ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. ત્રીજા રાઉન્ડના પ્રારંભ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


































































































































































































































