ગાંધીનગર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેવાનો ભેખ ધર્યો છે અને છેલ્લા 25 વર્ષની તેમની સેવાના ફળસ્વરૂપે આજે રાજ્યભરમાં અભૂતપૂર્વ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાના વડાપ્રધાનના સંકલ્પને દોહરાવતાં તેમણે વિકસિત ભારત માટે ગુજરાત અને ગાંધીનગર આગેવાની લેશે તેમ જણાવ્યું હતું. આ તકે તેમણે સેક્ટર વિસ્તારના નાગરિકોની સુવિધા અર્થે રૂ.20 કરોડના ખર્ચે બનનારા કોટેશ્વર અંડરપાસને મંજૂરી આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સાથોસાથ પર્યાવરણપ્રિય પરિવહનને પ્રોત્સાહન આપવા માટે નવી ઈ-બસ સેવાને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.





























































































































































































































































