અમેરિકાની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિદેશી આયાત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ઠેરવ્યા છે. અદાલતે અવલોકન કર્યું કે રાષ્ટ્રપતિએ ‘નેશનલ ઇમરજન્સી એક્ટ’નો દુરુપયોગ કરીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ, ભારત સહિત વિશ્વના 100 થી વધુ દેશો જેઓ આ ટેરિફનો ભોગ બન્યા હતા, તેમને હવે મોટી રાહત મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે જે આયાતકારોએ અગાઉ આ ટેરિફ ચૂકવ્યો છે, તેમને કરોડો ડોલરનું રિફંડ મળવાની શક્યતા વધી ગઈ છે. આ ચુકાદો વૈશ્વિક બજારમાં અમેરિકાની વિશ્વસનીયતા અને મુક્ત વેપાર (Free Trade) માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.