ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્ય બંધ સલામતી સંગઠન (GSDSO) ના રિપોર્ટે ભારે ખળભળાટ મચાવ્યો છે. રાજ્યના કુલ ૫૨૪ ડેમોના નિરીક્ષણ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ૧૦ ડેમોમાં એવી ગંભીર ખામીઓ જોવા મળી છે જે ચોમાસા દરમિયાન મોટી હોનારત સર્જી શકે છે.

રિપોર્ટ મુજબ, મોરબીના ઐતિહાસિક મચ્છુ-૨ ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેના દરવાજા તાત્કાલિક બદલવાની ભલામણ કરવામાં આવી છે. તેવી જ રીતે મોરબીના ડેમી-૩ ડેમના થાંભલાઓની સ્થિતિ ચિંતાજનક છે અને કોંક્રિટમાં ખાલી જગ્યાઓ (Hollow spaces) જોવા મળી છે. આ સિવાય ડોન ડેમ, ભરપર ડેમ, ખંભાલા ડેમ, વેણગાડી ડેમ, ફોડાર્નેસ ડેમ, મંજલ-રેલડિયા અને માલણ ડેમમાં પણ લિકેજ, દિવાલોમાં તિરાડો અને ભૂસ્ખલન જેવી ગંભીર સમસ્યાઓ નોંધાઈ છે.