વૈશ્વિક સ્તરે અમેરિકા, ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે વણસી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારતના સામાન્ય નાગરિકોના રસોડા પર પડી છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ઘરગથ્થુ વપરાશના ૧૪.૨ કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં ₹૬૦નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘરેલુ ગેસના ભાવમાં છેલ્લે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ₹૫૦નો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન વૈશ્વિક અસ્થિરતાને જોતા કંપનીઓએ ફરી એકવાર સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ લાદ્યો છે.

બીજી તરફ, વ્યાપારી એકમો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં એકાએક ₹૧૧૪.૫નો વધારો કરવામાં આવતા નાના વેપારીઓ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ચિંતા વધી ગઈ છે. મહત્વની વાત એ છે કે હજુ તાજેતરમાં જ ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કોમર્શિયલ સિલિન્ડરમાં ₹૨૮ થી ૩૧નો વધારો કરવામાં આવ્યો હતો, જેની ઉપર માત્ર થોડા જ દિવસોમાં આટલો મોટો ભાવવધારો થતા બજારમાં ખાધ્ય પદાર્થોની કિંમતો વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે.