દેશભરમાં ઉનાળાના આકરા તડકા અને લૂથી આકુળ-વ્યાકુળ બનેલી જનતા માટે આખરે મેઘરાજા અમૃત વર્ષા લઈને આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ દેશના ભૌગોલિક નકશા પર અત્યંત આક્રમક ગતિએ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ટૂંકા વિરામ બાદ ફરી સક્રિય થયેલા ચોમાસાએ દેશના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વોત્તર છેડાઓને એકસાથે ભીંજવવાનું શરૂ કરતાં ગરમીનો પ્રકોપ શાંત પડ્યો છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિધિવત ચોમાસું બેસી ગયું હોવાની જાહેરાત સાથે જ આ રાજ્યોના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.











































































































































































