મેચની શરૂઆતમાં પાકિસ્તાને 13મી મિનિટે પહેલો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. જોકે, ભારતે ત્યારબાદ વળતો પ્રહાર કરીને એક પછી એક 7 શાનદાર ગોલ ફટકાર્યા હતા. હાફ-ટાઇમ સુધીમાં સુખજીત સિંહ અને કેપ્ટન હરમનપ્રીત સિંહના ગોલની મદદથી ભારત 2-1થી આગળ હતું.

મેચના બીજા ભાગમાં ભારતની આક્રમક રમત સામે પાકિસ્તાનનું ડિફેન્સ સંપૂર્ણપણે પડી ભાંગ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે હાર્દિક સિંહ, જુગરાજ સિંહ, અભિષેક અને રાજકુમાર પાલના ગોલથી પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. મિડફિલ્ડર હાર્દિક સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. 54મી મિનિટે દિલપ્રીત સિંહે સાતમો ગોલ કરીને પાકિસ્તાનની હાર પાકી કરી દીધી હતી. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં આગલા રાઉન્ડ માટે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.