ગાંધી જયંતિના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે તેમની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના અનેક મહાનુભાવોએ હાજરી આપી બાપુના સત્ય, અહિંસા અને શાંતિના મૂલ્યોને યાદ કર્યા હતા.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક સંઘર્ષો વચ્ચે બાપુનો અહિંસાનો માર્ગ આજે વધુ પ્રાસંગિક બન્યો છે. રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ PM મોદી વિજય ઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક નમન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.





























































































































































































































































