વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ નવી દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં ગુજરાત સરકારે ટેકનોલોજીના ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો (L&T) વ્યોમા વચ્ચે ધોલેરા SIR ખાતે અત્યાધુનિક ડેટા સેન્ટર સ્થાપવા માટે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરામાં 250 મેગા વોટની ક્ષમતા ધરાવતું ‘ગ્રીન AI રેડી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર’ તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતને વૈશ્વિક ડિજિટલ નકશા પર નવી ઓળખ અપાવશે.
વન અને પર્યાવરણ તથા સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ કરાર મુજબ, L&T વ્યોમા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં અંદાજે ₹25,000 કરોડનું જંગી રોકાણ કરશે. આ ડેટા સેન્ટર વર્ષ 2028 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. આ પગલું ગુજરાતની IT/ITeS નીતિ (2022-27) ને અનુરૂપ છે, જેનો મુખ્ય હેતુ રાજ્યને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ માટે એક સસ્ટેનેબલ હબ તરીકે વિકસાવવાનો છે.
આ સમજૂતી અંતર્ગત L&T વ્યોમા દ્વારા જમીનની ઉપલબ્ધતા અને માળખાગત સુવિધાઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે, જ્યારે ગુજરાત સરકાર પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે જરૂરી તમામ વહીવટી સહયોગ પૂરો પાડશે. આ ડેટા સેન્ટર માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે વિશ્વભરની મોટી AI કંપનીઓને આકર્ષવામાં પણ મદદરૂપ થશે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતી નવી રોજગારીની તકો ઊભી થશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.






































































