વડોદરા જિલ્લાના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના ગામોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે અને પૂરનાં પાણીના કારણે સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ડાંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા તેમજ મગનપુરા અને સુવાલજા સહિતના ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ડભોઈ-વાઘોડિયા માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે, જેના કારણે વાઘોડિયા GIDC અને હોસ્પિટલ સુધી પહોંચવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર ચોમાસે પૂરનાં પાણીથી પરેશાન બનતા આ ગામોના લોકો માટે ફરી મુશ્કેલી ઊભી થઈ છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.






































































































































































































