ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. સિસ્ટમની અસરથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 1 જૂનથી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં 511 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે 530 મિમી વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં વરસાદની 4 ટકા ઘટ છે. આગામી દિવસોમાં વરસાદ થતાં આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.