હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં માવઠાના એંધાણ છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં થનારા ફેરફાર અને ટ્રફ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, કારણ કે આ સમયે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. જોકે, વરસાદની તીવ્રતા અને અસર અંગે હવામાનની આગામી સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
































































































































































































































































