વર્ષ ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને વૈશ્વિક કક્ષાનું શહેર બનાવવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યા છે. શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાને કાયમી ઉકેલ આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બહારથી આવતી લક્ઝરી બસો અને એસટી (GSRTC) બસોને શહેરના મુખ્ય વિસ્તારોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
નવા આયોજન મુજબ, મુસાફરોને લઈ આવતી ખાનગી લક્ઝરી બસો અને એસટી બસો હવે શહેરની સરહદ સમાન એસ.જી. હાઈવે (SG Highway) અને એસ.પી. રિંગ રોડ (SP Ring Road) સુધી જ સીમિત રહેશે. શહેરની અંદરના ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે આ વિસ્તારોમાં મોટા ટર્મિનલ અથવા ડ્રોપ-ઓફ પોઈન્ટ્સ ઉભા કરવામાં આવશે.














































































